New Policy By Google. My first post in Gujarati.

*ગુગલની નવી પોલિસી*

વિખ્યાત સર્ચ એન્જિન ગુગલે તેના કર્મચારીઓની ભરતી નીતિ રાતોરાત બદલાવી છે અને *એમાં ડિગ્રીનો છેદ ઉડાડી દીધો છે. માત્ર આવડત, કાર્યદક્ષતા એ જ યોગ્યતાનો નિયમ ગુગલે અપનાવી લીધો છે.* આમ જુઓ તો આ ગુગલ કંપનીનો પોતાનો નિયમ લાગે પરંતુ હકીકતમાં આ એક ઐતિહાસિક પગલું છે જેમાં *ગુગલે દુનિયાભરની તમામ પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થાનો એક જ ઝાટકે શિરચ્છેદ કરી નાંખ્યો છે. હવે વ્યક્તિમાં રહેલી પ્રતિભાને જ તેઓ જોબ આપશે. કોલેજો અને યુનિવસટીના 'ફરફરિયા' ને નોકરી નહિ મળે.*

ગુગલે સાહસ કરીને આ કદમ ઉઠાવ્યું છે ને આવતીકાલે દુનિયાની તમામ કોર્પોરેટ કંપનીઓએ એને અનુસરવું પડશે. પીએચ. ડી. થયેલા લોકોનું ફન્ડામેન્ટલ નોલેજ કેવું હોય છે એ બધાને ખબર છે. હોય છે કેટલાક પોતાના વિષય પર પ્રભુત્વ ધરાવતા દિગ્ગજો પરંતુ એવા વિદ્વાન વિદ્યાધરોનું પ્રમાણ તો એક કે બે ટકા માંડ હોય. *ગુગલમાં કોઈ પદ પર હવે જોબ કરવી હોય તો પદવી પ્રમાણપત્રો અને ગુણપત્રકો ઘરે મૂકીને જ જવાનું રહે છે.*

*તમે શું ભણ્યા છો એમાં ખરેખર જ હવે કોઈને રસ નથી. તમને શું આવડે છે એના જ તોલમોલ હવે થાય છે.* એક રીતે નહિ, અનેક રીતે આ પ્રણાલિકા જ આગળ જતા ખરી પુરવાર થવાની છે. આમ જુઓ તો ગુગલે આ પરિવર્તનનું વૈશ્વિક નેતૃત્વ લીધું છે અને *શૈક્ષણિક પદવીઓ નોકરી અપાવે છે એ માન્યતાનો જગતના ચોકમાં મૃત્યુઘંટ વગાડયો છે એટલું જ, બાકી તો ડિગ્રીની નિરર્થકતા અને બીબાઢાળ અભ્યાસક્રમોમાંથી પેદા થતી શૂન્યતાઓનો દરેક બેરોજગારને અનુભવ છે જ.*

નવાઈની વાત એ છે કે આગળની પેઢીના અનુભવો અને એના પરિણામોનો સમાજની નજર સામે સાક્ષાત દુઃખદ અનુભવ હોવા છતાં *હજુય વાલીઓ પોતાના સંતાનોને ટકાવારી અને ડિગ્રીની રેસમાં ધકેલ્યા જ કરે છે.* ભણવું એ હવે તો માત્ર પંદરથી પચીસ વરસની ઉંમર સુધી પહોંચવાનો એક પુલ છે, આ કાંઠેથી પેલે કાંઠે, ન તો એ કોઈ રસ્તો છે કે જે મંઝિલ સુધી લઈ જાય.

ગુગલની હ્યુમન રિસોર્સ પોલીસી (માનવ સંસાધન નીતિ )માં કરવામાં આવેલા આ પરિવર્તનને એલાર્મ માનીને *વાલીઓએ જાગી જવું જોઈએ અને પોતાના સંતાનોમાં આવડત આવે, કાર્યકુશળતા આવે અને તેઓ નાની ઉંમરથી કંઈ ને કંઈ કમાતા થાય એ દિશામાં સક્રિય થવાની જરૂર છે.* પરંતુ ખાતરી રાખો કે આ વાલીઓને રાજકારણમાં જેટલો રસ છે એટલો રસ સંતાનોમાં નથી એટલે ગુગલનું પરિવર્તન આત્મસાત કરતા ભારત જેવા દેશને હજુ દસ વરસ લાગશે.

Comments

Popular Posts